મોરેશિયસમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરાયું, વડાપ્રધાન ભારતીય સમુદાયને સંબોધિત કરશે
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે સવારે મોરેશિયસ પહોંચ્યા છે, ત્યારે ત્યાં તેમનું ખાસ રીતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે પરંપરાગત ભોજપુરી સંગીત જૂથ 'ગીત ગવાઈ' દ્વારા એક અદ્ભુત પ્રદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓએ વડાપ્રધાન સામે ભોજપુરીમાં લોકગીતો ગાઈને તેમના સ્વાગતને વધુ ખાસ બનાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્મય 'X' પર ભોજપુરી ભાષામાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, 'મોરેશિયસમાં મારું યાદગાર સ્વાગત થયું. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણે ગાઢ સાંસ્કૃતિક જોડાણ, ગીતો અને ગાયકોના પ્રદર્શનમાં જોવા મળતું હતું. મોરેશિયસની સંસ્કૃતિમાં મહાન ભોજપુરી ભાષા હજુ પણ ખીલી રહી છે અને જીવંત છે તે પ્રશંસનીય છે.'
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો અને ભોજપુરીમાં પીએમ મોદીના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોરેશિયસ પહોંચી ગયા છે. આજે મંગળવારની સવારે એરપોર્ટ પર તેમનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ અને અન્ય અધિકારીઓએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. આ દર્શાવે છે કે ભારત અને મોરેશિયસ વચ્ચેનો સંબંધ કેટલો અતૂટ છે.
તેમણે જણાવ્યું કે, પીએમ મોદી આજે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. સૌ પ્રથમ તેઓ મોરેશિયસના ઇતિહાસના બે અગ્રણી નેતાઓ, શિવસાગર રામગુલામ અને અનિરુદ જગ્નાથને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી પીએમ મોદી મોરેશિયસના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, મોરેશિયસના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના માનમાં એક રાજ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું છે. આ પછી પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે.
આજે મંગળવારે સાંજે પીએમ મોદી અને નવીનચંદ્ર રામગુલામ વચ્ચે વાતચીત થશે. મોરેશિયસના પ્રધાનમંત્રીએ પીએમ મોદીના માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, બુધવારનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે 12 માર્ચે મોરેશિયસ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવશે અને વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.