રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત અને રશિયાના સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ વચ્ચે આજે નવી દિલ્હીમાં 22મી મંત્રીસ્તરીય બેઠક યોજાઈ હતી, જ્યાં બંને દેશોએ પરંપરાગત મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો.
રશિયા ભારતનો 'સમય-પરીક્ષિત' ભાગીદાર: રાજનાથ સિંહ
બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાના આ સમયગાળામાં પણ ભારત-રશિયાના સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. તેમણે રશિયાને ભારતનો "સમય-પરીક્ષિત પામેલો ખાસ અને વ્યૂહાત્મક ભાગીદાર" ગણાવ્યો હતો.
સિંહે રશિયાના નેતૃત્વ હેઠળના યુરેશિયન ઇકોનોમિક યુનિયન (EAEU) સાથે મુક્ત વેપાર કરાર (FTA) માટે વાટાઘાટો શરૂ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
વૈશ્વિક સુરક્ષા માટે ભારત સાથેની ભાગીદારી મહત્વપૂર્ણ: આન્દ્રે બેલોસોવ. રશિયન સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને રેખાંકિત કર્યા હતા. તેમણે કહ્યું કે ભારત અને રશિયા ગાઢ પરંપરાઓ દ્વારા જોડાયેલા છે અને તેમના દ્વિપક્ષીય સંબંધો વ્યૂહાત્મક સ્વભાવ ધરાવે છે. બેલોસોવે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સાથેની ભાગીદારી દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર અને વૈશ્વિક સુરક્ષાને સંતુલિત કરવામાં એક મહત્વપૂર્ણ પરિબળ છે.
બંને મંત્રીઓએ સંરક્ષણ સહયોગ, દ્વિપક્ષીય વેપાર અને પરસ્પર હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જે બંને દેશો વચ્ચેની મજબૂત ભાગીદારીને દર્શાવે છે.
