રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદની સંયુક્ત બેઠકને સંબોધશે
Live TV
-
રાજ્યસભાનું 264મું સત્ર આજથી શરૂ થશે
દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ NDAએ પૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી છે. જે બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવાર (26 જૂન)થી શરૂ થયું હતું. રાજ્યસભાનું 264મું સત્ર ગુરુવાર એટલેકે આજથી શરૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.
સંસદની સંયુક્ત બેઠક 18મી લોકસભાની રચના બાદ સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પ્રથમ સંબોધન હશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થયું છે જ્યારે રાજ્યસભાનું 264મું સત્ર આજથી શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અને રાજ્યસભાના પ્રમુખ અધિકારીઓ સંસદભવનના પ્રાંગણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નેતૃત્વ કરશે.
અહીંથી તેમને પરંપરાગત રાજદંડ સિંગોલ સાથે લોકસભામાં લઈ જવામાં આવશે. બંધારણના અનુચ્છેદ 87 મુજબ, રાષ્ટ્રપતિએ દરેક લોકસભા ચૂંટણી પછી સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવું જરૂરી છે. રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરે છે.
રાષ્ટ્રપતિના અભિભાષણમાં સરકારના કાર્યક્રમો અને નીતિઓ અંગેનો રોડમેપ રજૂ થતો હોય છે. તેમજ સરકારે કરેલા કાર્યોનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે. આ સંયુકત બેઠક લોકસભા ચેમ્બરમાં થશે. રાષ્ટ્રપતિના સંબોધન બાદ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. ત્યાર બાદ તમામ દળ દ્વારા આ સંબોધન અંગે ચર્ચા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ 17મી લોકસભાના અંતિમ સત્રને પણ અહીં સંબોધન કર્યું હતું.
