રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસને કેબિનેટ દ્વારા મંજૂરી
Live TV
-
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, રેલવે કર્મચારીઓને દિવાળી બોનસ મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 10,91,146 રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના ઉત્પાદકતા સંબંધિત બોનસ (PLB) તરીકે ₹1,865.68 કરોડની ચુકવણીને મંજૂરી આપી છે.રેલવે કર્મચારીઓને આ બોનસ દર વર્ષે દુર્ગા પૂજા/દશેરાની રજાઓ પહેલાં ચૂકવવામાં આવે છે.સત્તાવાર નિવેદન અનુસાર, આ વર્ષે પણ લગભગ 10.91 લાખ અરાજપત્રિત (Non-Gazetted) રેલવે કર્મચારીઓને 78 દિવસના વેતનની સમકક્ષ PLBની રકમ ચૂકવવામાં આવી રહી છે. આ બોનસ રેલવેના પ્રદર્શનમાં સુધારો લાવવા માટે કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે એક પ્રેરણા તરીકે કામ કરે છે.
દરેક પાત્ર રેલવે કર્મચારી માટે 78 દિવસના વેતન બરાબર PLBની મહત્તમ ચૂકવવાપાત્ર રકમ ₹17,951 છે. આ રકમ વિવિધ શ્રેણીના રેલવે કર્મચારીઓ જેવા કે ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર, પોઈન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ 'સી' કર્મચારીઓને ચૂકવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25માં રેલવેનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું. રેલવેએ 1614.90 મિલિયન ટનનો રેકોર્ડ માલ પરિવહન કર્યો અને લગભગ 7.3 અબજ મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડ્યા.
