રોજગાર મેળો: PM નરેન્દ્ર મોદી આજે 51,000 થી વધુ યુવાનોને સોંપશે નિમણૂક પત્રો, 47 શહેરોમાં આયોજન
Live TV
-
રોજગાર મેળો: PM નરેન્દ્ર મોદી આજે 51,000 થી વધુ યુવાનોને સોંપશે નિમણૂક પત્રો, 47 શહેરોમાં આયોજન
દેશના યુવાનોને રોજગારી આપવાના અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 19માં રાષ્ટ્રીય રોજગાર મેળાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી દેશભરના વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં પસંદગી પામેલા 51,000 કરતાં વધારે નવનિયુક્ત યુવાનોને એપોઇન્ટમેન્ટ લેટર એનાયત કરશે. આ ભવ્ય રોજગાર મેળાનું આયોજન દેશભરના 47 જુદા જુદા શહેરોમાં કરવામાં આવ્યું છે. પત્ર વહેંચણી બાદ પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં નવનિયુક્ત યુવાનોને સંબોધિત પણ કરશે અને દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે પ્રોત્સાહિત કરશે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી પ્રતિબદ્ધતા
આ કાર્યક્રમ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે: આપણા યુવા સાથીદારોના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્તિકરણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અટલ છે. આ હેતુ માટે, હું સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં ભાગ લઈશ. આ મેળામાં, મને વિવિધ સરકારી વિભાગો તરફથી યુવાનોને નિમણૂક પત્રો સોંપવાનો લહાવો મળશે."
અત્યાર સુધીમાં 12 લાખથી વધુ યુવાનોને મળી રોજગારી
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત રોજગારીના આંકડા ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે. આ પહેલા 18 રોજગાર મેળાઓનું સફળ આયોજન થઈ ચૂક્યું છે. આ 18 મેળાઓના માધ્યમથી અત્યાર સુધીમાં 12 લાખ કરતાં વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો મળી ચૂક્યા છે. આજના 19માં મેળા બાદ આ આંકડામાં વધુ 51,000 નોકરીઓનો ઉમેરો થશે.
કયા વિભાગોમાં મળશે નોકરીઓ?
આ મેળા અંતર્ગત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, જાહેર ક્ષેત્રની બેંકો, સંરક્ષણ મંત્રાલય, રેલવે, ગૃહ મંત્રાલય અને અન્ય સ્વાયત્ત સંસ્થાઓમાં યુવાનોની ભરતી કરવામાં આવી છે. આ પહેલથી દેશના વહીવટી તંત્રને નવી ઉર્જા મળશે અને યુવાનોને દેશસેવા કરવાની ઉત્તમ તક સાંપડશે.
