લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પૂરજોશમાં
Live TV
-
લોકસભાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જોર-શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીનો જંગ જીતવા ઉમેદવારો સહિત વિવિધ પક્ષના દિગ્ગજ નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિવિધ જગ્યાએ જનસભાને સંબોધતા એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.
ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેલંગાણાના ભોંગીરમાં જનસભા સંબોધી હતી. તેમણે કોંગ્રેસની ગેરંટીને ચાઈનીઝ ગેરંટી ગણાવી હતી. કોંગ્રેસની ચાઇનીઝ ગેરંટી કહીને તેમણે ભાજપની નક્કર ગેરંટીની ખાતરી આપી હતી. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્ટાર પ્રચારક જે.પી.નડ્ડાએ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સભાને સંબોધતા વિકાસની રાજનીતિનો ઉલ્લેખ કર્યો હતો
ચૂંટણીના મેદાનમાં વિપક્ષના નેતાઓ પણ વ્યસ્ત બન્યા છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઈ અને રાયબરેલીના ઉમેદવાર રાહુલ ગાંધી માટે જનસભા કરી હતી. રાયબરેલીમાં જનસભા સંબોધતા પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે. "અમે છત્તીસગઢમાં ખેડૂતોની લોન માફ કરી. કર્ણાટકમાં મહિલાઓના ખાતામાં 2000 રૂપિયા જમા કર્યા". વધુમાં કહ્યું હતું કે. "જો અમારી સરકાર કેન્દ્રમાં આવશે તો અમે ખેડૂતોની લોન માફી માટે કાયમી કમિશનની રચના કરીશું". તો બીજી તરફ કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ તેલંગાણામાં જનસભા કરી હતી. તેમણે મેડકમાં અને ત્યારબાદ મલકાજગીરીમાં પણ જનસભાને સંબોધિત કરી હતી.