લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત, શનિવારે મતદાન થશે
Live TV
-
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થઈ રહ્યો છે. શનિવાર, 25 મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થશે. આ વિસ્તારોમાં બિહારની 8 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક, ઝારખંડની 4, દિલ્હીની તમામ 7 બેઠકો, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં કુલ 889 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
આ ક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 2 વાગ્યે હરિયાણાના ભિવાની-મહેન્દ્રગઢ સંસદીય ક્ષેત્રમાં ભાજપની વિશાળ જનસભાને સંબોધિત કરશે. અહીંથી તે પંજાબ તરફ જશે. જ્યાં વડાપ્રધાન પંજાબના પટિયાલામાં સાંજે 4:30 વાગે જનસભાને સંબોધશે. પીએમ મોદી આવતીકાલે ગુરદાસપુર અને જલંધરમાં રેલી પણ કરશે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને અન્ય સ્થાનિક નેતાઓ રોડ શો અને રેલીઓ દ્વારા પ્રચાર કરી રહ્યા છે.
દિલ્હીની સાતેય લોકસભા સીટો પર શનિવારે ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષો રોડ શો, જાહેર સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ભાજપના નેતાઓ રાજનાથ સિંહ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની પણ સક્રિય પ્રચાર કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગોલપુરી અને સીમાપુરીમાં જાહેર સભાઓને સંબોધશે.
દિલ્હીમાં મુકાબલો મુખ્યત્વે ભાજપ અને AAP-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે. ભાજપ તમામ સાત બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે AAP ચાર અને કોંગ્રેસ ત્રણ પર ચૂંટણી લડી રહી છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે તમામ સાત બેઠકો જીતી હતી અને આ સફળતાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજધાનીમાં ભાજપના વર્ચસ્વને પડકારવા માટે કોંગ્રેસ અને AAP પણ સખત મહેનત કરી રહ્યા છે.