સંસ્કૃત ભારતીય સંસ્કૃતિની ઓળખ અને વાહક છેઃ રાષ્ટ્રપતિ
Live TV
-
સંસ્કૃતનું વ્યાકરણ આ ભાષાને અનોખો વૈજ્ઞાનિક આધાર આપે છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે કહ્યું કે; "સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક છે. તે આપણા દેશની પ્રગતિનો આધાર પણ રહ્યો છે."
મુલાકાતી અને યુનિવર્સિટીના પ્રમુખ મુર્મુએ નવી દિલ્હીમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. જ્યારે રાષ્ટ્રપતિએ દીક્ષાંત સમારોહમાં 4423 ડિગ્રી એનાયત કરી હતી, જ્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 6 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. મુરલી મનોહર પાઠક તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિએ કહ્યું કે; "સંસ્કૃતનું વ્યાકરણ આ ભાષાને અનોખો વૈજ્ઞાનિક આધાર આપે છે. માનવ ચાતુર્યની આ એક અનોખી સિદ્ધિ છે અને આપણને તેના પર ગર્વ હોવો જોઈએ." તેમણે કહ્યું કે, "સંસ્કૃત આધારિત શિક્ષણ પ્રણાલીમાં ગુરુ અથવા આચાર્યને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે."
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે; લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ પરંપરાને અનુસરશે અને તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા સાથે આગળ વધશે અને શિક્ષકો પણ વિદ્યાર્થીઓને જીવનભર આશીર્વાદ અને પ્રેરણા આપશે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે; બુદ્ધિશાળી લોકો શ્રેષ્ઠ વસ્તુઓ સ્વીકારવા માટે તેમની બુદ્ધિનો ઉપયોગ કરે છે. અવિવેકી લોકો બીજાની સલાહ પર કંઈક અપનાવે છે અથવા નકારે છે. તેમણે વિદ્યાર્થીઓને એ વાત ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી કે આપણી પરંપરાઓમાં જે પણ વૈજ્ઞાનિક અને ઉપયોગી છે તેને સ્વીકારવું પડશે અને જે પણ રૂઢિચુસ્ત, અન્યાયી અને નકામું છે તેને નકારવું પડશે. વિવેક હંમેશા જાગૃત રાખવો જોઈએ.
રાષ્ટ્રપતિએ કહ્યું કે; રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020એ પરિકલ્પના કરે છે કે આપણા યુવાનોએ ભારતીય પરંપરાઓમાં વિશ્વાસ સાથે 21મી સદીના વિશ્વમાં તેમનું યોગ્ય સ્થાન બનાવવું જોઈએ. આપણા દેશમાં, નૈતિકતા, ધાર્મિક આચરણ, દાન અને સર્વ-કલ્યાણ જેવા જીવન મૂલ્યોના આધારે જ શિક્ષણને પ્રગતિમાં સાર્થક માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, જે લોકો હંમેશા બીજાના કલ્યાણમાં વ્યસ્ત રહે છે તેમના માટે આ દુનિયામાં કંઈપણ પ્રાપ્ત કરવું મુશ્કેલ નથી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે; સર્વ સમાવેશક પ્રગતિએ કોઈપણ સંવેદનશીલ સમાજની ઓળખ છે. તેમણે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયને કન્યા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમની પ્રતિભા દર્શાવવાની વધુ તકો પૂરી પાડવા વિનંતી કરી.
