સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી, નવા દર લાગુ
Live TV
-
ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા અને ડુંગળીનો પુરવઠો જાળવવા માટે કેન્દ્ર સરકારે નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે. સરકારે 31 માર્ચ, 2025 સુધી દેશી ચણાની આયાત પર ડ્યૂટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જાહેર કરાયેલા 'બિલ ઑફ એન્ટ્રી' દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે, આ તમામ ફેરફારો 4 મેથી લાગુ થશે. હાલમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે. જો કે, કેન્દ્ર સરકાર તેના મિત્ર દેશોમાં ડુંગળીની નિકાસને મંજૂરી આપી રહી છે. તાજેતરમાં, UAE અને બાંગ્લાદેશ સહિત છ દેશોમાં ડુંગળીના ચોક્કસ જથ્થાની નિકાસની મંજૂરી આપવામાં આવી હતી.
ગયા વર્ષે ઓગસ્ટમાં પણ કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળીની નિકાસ પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી. જોકે, સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો.
નોંધનીય છે કે, 'બિલ ઓફ એન્ટ્રી' એ એક કાનૂની દસ્તાવેજ છે જે આયાતકારો અથવા કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ દ્વારા આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં ફાઇલ કરવામાં આવે છે.