PM નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને શિલાન્યાસ કર્યો હતો. આજની વિકાસલક્ષી પરિયોજનાઓ રેલવે, બંદરો, ઓઇલ પાઇપલાઇન, એલપીજી પુરવઠો અને ગંદાપાણીના શુદ્ધિકરણ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ 21મી સદીના ભારતની ઝડપી વૃદ્ધિ અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના સંકલ્પની નોંધ લીધી હતી. તેમણે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોનાં સશક્તિકરણની પ્રાથમિકતાઓનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "અમે ગરીબોનાં કલ્યાણ માટે હંમેશા પ્રયાસરત રહ્યાં છીએ અને તેનાં પરિણામો હવે દુનિયાને દેખાય છે." તેમણે એ હકીકત પર ભાર મૂક્યો હતો કે, 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યાં છે, જે સરકારની દિશા, નીતિઓ અને નિર્ણયોની સત્યતા સૂચવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ બધાનું મુખ્ય કારણ યોગ્ય ઇરાદાઓ છે.
કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળમાં રેલવેને અન્ય દેશોની જેમ જ આધુનિક બનાવવા આતુર છે. પ્રધાનમંત્રીએ ઝારગ્રામ-સલગાઝરીને જોડતી ત્રીજી રેલવે લાઇનનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો છે, ત્યારે આ વિસ્તારમાં પ્રવાસન અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો છે. તેમણે સોંડાલિયા – ચંપાપુકુર અને દાનકુની – ભટ્ટાનગર– બાલ્તિકુરી રેલવે લાઇનને બમણી કરવા વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કોલકાતાનાં શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર માળખાગત સુવિધાને મજબૂત કરવા માટેનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ અને રૂ.1,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં ત્રણ અન્ય પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ આ વર્ષે પશ્ચિમ બંગાળમાં રેલવેનાં વિકાસ માટે રૂ.13,000 કરોડથી વધારેનાં બજેટની ફાળવણી વિશે માહિતી આપી હતી, જે વર્ષ 2014 અગાઉની સરખામણીએ ત્રણ ગણી વધારે છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર રેલવે લાઇનોનાં ઇલેક્ટ્રિફિકેશન, પેસેન્જર સુવિધાઓમાં સુધારો અને રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસને પ્રાથમિકતા આપે છે. છેલ્લાં 10 વર્ષમાં પૂર્ણ થયેલા વિલંબિત પ્રોજેક્ટ્સ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, પશ્ચિમ બંગાળમાં 3,000 કિલોમીટરથી વધારે રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે, અમૃત સ્ટેશન યોજના હેઠળ તારકેશ્વર રેલવે સ્ટેશનનાં પુનર્વિકાસ, 150થી વધારે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવી, સહિત આશરે 100 રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસ કરવામાં આવી રહ્યું છે. 5 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી.
આ પ્રસંગે પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ ડૉ.સી.વી.આનંદ બોઝ અને કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર ઉપસ્થિત રહ્યાં હતાં.