TDPના વડા ચંદ્રાબાબુ નાયડુએ ગઇકાલે મોડી રાત્રે બેઠક યોજી
Live TV
-
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી મુદ્દે તેલૂગુ દેશમ પાર્ટીએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી પોતાના બે મંત્રીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે.
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી મુદ્દે તેલૂગુ દેશમ પાર્ટીએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી પોતાના બે મંત્રીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. TDPના બે કેન્દ્રીય મંત્રીઓ અશોક ગજપતિ રાજુ અને રાજ્યમંત્રી વાય.એસ.ચૌધરી આજે રાજીનામું આપી શકે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDPના વડા ચંદ્રાબાબુ નાયડુએ ગઇકાલે મોડી રાત્રે બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી. TDP સાંસદોએ જણાવ્યું હતું કે તેઓ મંત્રીમંડળમાં સાથે વધુ રહી શકે તેમ નથી. TDPનો આ નિર્ણય આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે સંસદમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે આવ્યો છે. TDP સાંસદો અને MLCએ મંગળવારે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને ભાજપાના વડપણ હેઠળની સરકાર સાથે જોડાણ તોડવા માટે સલાહ આપી હતી. તો આ તરફ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને ટીડીપી છેલ્લાં ઘણા સમયથી નારાજ હતા. સંસદમાં પણ આ મુદ્દે ટીડીપી ગતિરોધ કરી રહી છે. આ બધા વચ્ચે બુધવારે નાણામંત્રી અરૂણ જેટલીએ આ મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે 14માં નાણા પંચના જણાવ્યા મુજબ કોઇપણ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો નથી. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પૂર્વોત્તરના કેટલાક ભાગો પહાડી વિસ્તારોને મળનારી કેન્દ્રીય 90 ટકા મદદ આંધ્રપ્રદેશને પણ મળશે. તેમણે કહ્યું કે સરકાર આંધ્રને ઔપચારિક રૂપે વિશેષ દરજ્જો કહેવાને બદલે તેને ખાસ પેકેજ તરીકે ઓળખાવી રહી છે. આ પેકેજથી આંધ્રપ્રદેશને એજ લાભ મળશે જે વિશેષ દરજ્જા પ્રાપ્ત રાજ્યને મળે છે.