કચ્છમાં ખેડૂતોનો નવતર પ્રયોગ, જમ્બો સાઈઝના તાઇવાન ગુલાબી જામફળ દ્વારા મબલખ કમાણી
Live TV
-
કચ્છમાં ખેડૂતોએ બાગાયતી ખેતી ક્ષેત્રે અવનવા પ્રયોગ કરી ક્યારે વિચારી ન શકાય તેવા ફળ આ સૂકા વિસ્તારમાં ઉગાડી દેખાડ્યા છે. બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ દાડમની ખેતી શરૂ કરી હતી અને કચ્છને દાડમનો હબ બનાવ્યો હતો. તો હવે, જિલ્લાના અનેક ખેડૂતો તાઇવાન પિંક જામફળની ખેતી તરફ વળ્યા છે અને જમ્બો સાઈઝના આ ગુલાબી જામફળ વાવી લાખોની કમાણી કરી રહ્યા છે.
શિયાળામાં બજારોમાં જામફળની મબલખ આવક થતી હોય છે. સમગ્ર દેશમાં એક સાથે દેશી જામફળનો માલ બજારોમાં આવતા તેના ભાવ ખૂબ ઓછા રહે છે. પરંતુ, તાઇવાન પિન્ક નામની આ જામફળની પ્રજાતિ એવી છે કે વર્ષના કોઈ પણ સીઝનમાં ખેડૂતો તેનો પાક લઈ શકે છે. આ થકી ઓફ સીઝનના કારણે ખેડૂતોને પોતાના પાકના મો માગ્યા ભાવ મળી રહે છે.
કચ્છના નખત્રાણા તાલુકામાં અનેક ખેડૂતોએ આ ગુલાબી જામફળની ખેતી શરૂ કરી છે. અન્ય દેશી જામફળનું હાર્વેસ્ટીંગ હજુ શરૂ થયું છે ત્યારે આ તાઇવાન પિંક જામફળનું હાર્વેસ્ટીંગ પૂર્ણ થઈ બજારમાં મળતા શરૂ થઈ ગયા છે. આ કારણે જ જ્યાં દેશી જામફળના પ્રતિ કિલો રૂ. 20 થી 30 ખેડૂતોને મળતાં હોય છે ત્યારે આ ગુલાબી જામફળના ખેડૂતોને કિલો દીઠ રૂ. 50 થી લઈને 90 સુધી મળી રહે છે. તો વળી આ વેરાયટીના જામફળમાં એક એક ફળ 500 ગ્રામથી લઈને 800 ગ્રામ સુધીના મળે છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, રોપા ખરીદવાથી લઈને જમીને તૈયાર કરવા પાછળ તેમને એકર દીઠ રૂ. 40 હજાર જેવો ખર્ચ થાય છે જેમાં એકર દીઠ પાંચથી છ ટન માલ ખેડૂતોને મળી રહ્યું છે. તો વળી આ જામફળને કોઈ પણ પ્રકારના પેસ્ટીસાઇડ અથવા જંતુનાશક દવાની જરૂર પણ ન પડતા આ સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી વડે જ તૈયાર થાય છે.
જો કે, જામફળ પર જીવાત ન લાગે તે માટે ફૂલના ફૂટવાથી જ તેના પર પ્લાસ્ટિકની થેલી ચડવવામાં આવે છે. તેના 30 થી 35 દિવસ બાદ ફળ પાકીને પૂર્ણ આકારમાં આવતા તેના પરથી થેલી ઉતારવામાં આવે છે.
