ગંગા સ્વરૂપા આર્થિક સહાય માટે હયાતીની ખરાઈ ફરજિયાત
Live TV
-
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ નિયમિત સહાય ચાલુ રહે તે માટે હયાતીની ખરાઈ કરાવવા માટે તમામ લાભાર્થીઓને અપીલ કરાઈ. સરકારના ઠરાવ મુજબ દર જુલાઈ માસમાં લાભાર્થીઓએ હયાતી, ખરાઈ તથા પુનઃલગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન મામલતદાર કચેરી ખાતે જમા કરવું ફરજિયાત છે.
હાલમાં અમદાવાદ જિલ્લામાં કુલ ૧,૫૪,૯૮૨ જેટલા લાભાર્થીઓ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવી રહ્યા છે. જેમને દર મહિને રૂ.૧૨૫૦/- રૂપિયાની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી સીધી ચુકવણી તેમના બચત ખાતામાં કરવામાં આવે છે. જેથી નિયમિત સહાય ચાલુ રહે, તથા કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે સરકારના ઠરાવ મુજબ દર જુલાઈ માસમાં હયાતી, ખરાઈ તથા પુનઃલગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન મામલતદાર કચેરી ખાતે ફરજિયાત જમા કરવા અંગે મહિલા અને બાળ અધિકારીની કચેરી અમદાવાદ દ્વારા તમામ લાભાર્થીઓને અપીલ કરવામાં આવે છે. જેમાં ગંગા સ્વરૂપા(વિધવા સહાય) યોજનાના તમામ લાભાર્થીઓએ તાત્કાલિક અસરથી પોતાની હયાતીની ખરાઈ મામલતદારશ્રીની કચેરી ખાતે કરાવવી જરૂરી છે.
વધુમાં, ૧૮થી ૫૦ વર્ષની વયના લાભાર્થીઓએ પુનઃલગ્ન ન કર્યા અંગેનો તલાટીશ્રીનો દાખલો પણ મામલતદારશ્રીની કચેરી ખાતે રજૂ કરાવવાનો રહેશે. તેમજ જે લાભાર્થી બહેનોનું અવસાન થયેલ હોય તેમના કુટુંબીજનોએ ગ્રામ પંચાયત/નગરપાલિકામાં મરણ નોંધણી કરાવવી અનિવાર્ય છે. તેમજ મરણનો દાખલો મામલતદારશ્રીની કચેરીમાં જમા કરાવવો જરૂરી છે. જો મરણ બાદ પણ સહાય જમા થતી રહે છે તો સંબંધિત રકમની રિકવરી કરવામાં આવશે, જેની તમામે નોંધ લેવી.
ખરાઈ માટે જરૂરી પુરાવા
૧.ગંગા સ્વરૂપા આર્થિક સહાય મંજુરી હુકમ/ઓર્ડરની નકલ.
૨.લાભાર્થીના અપડેટ આધારકાર્ડની નકલ.
૩.લાભાર્થીના પતિના મરણના દાખલાની નકલ.
૪.પોસ્ટ/બેન્ક ખાતાની પાસબુકની નકલ.
૫.મોબાઈલ નંબર.
૬.આવક અંગેનું પ્રમાણપત્ર (૨૧ વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય તથા કુટુંબ સાથે રહેતો હોય) તેવા કિસ્સામાં કુંટુંબમાં આવકનો સ્રોત ધરાવતા હોય તેવા તમામ સભ્યોનું આવકનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
