છોટાઉદેપુરના સુપ્રસિદ્ધ ઝંડ હનુમાનજી મંદિર પરિસરમાં જિલ્લા તંત્ર દ્વારા 'સ્વચ્છતા અભિયાન'
Live TV
-
છોટાઉદેપુરના સુપ્રસિદ્ધ ઝંડ હનુમાનજી મંદિર પરિસરમાં જિલ્લા તંત્ર દ્વારા 'સ્વચ્છતા અભિયાન'
છોટાઉદેપુર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાનજી મંદિર પરિસર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સ્વયં 'સ્વચ્છાગ્રહી' બનીને જોડાયા હતા, જેમને સ્થાનિક લોકોનો પણ સહકાર મળ્યો હતો.
અધિકારીઓએ શ્રમદાન કરીને મંદિર પરિસરની સફાઈ કરી હતી. આ દરમિયાન, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મંદિરના ટ્રસ્ટીઓ અને સંબંધિત અધિકારીઓને સ્વચ્છતા જાળવવા અને યાત્રાળુઓ માટેની અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગુટખા, તમાકુ અને પ્લાસ્ટિક પર પ્રતિબંધની નેમ
વહીવટી તંત્રના આ પ્રયાસોથી પ્રેરાઈને મંદિરના ટ્રસ્ટીઓ અને આસપાસના વેપારીઓએ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે સ્વયંમૂલ્યાંકન કરીને મંદિર પરિસરમાં ગુટખા, તમાકુ અને પ્લાસ્ટિકના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ધાર કર્યો છે. આ નિર્ણય દ્વારા ઝંડ હનુમાનજી મંદિર પરિસરને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રાખવાની નેમ લેવામાં આવી છે, જે અન્યો માટે એક પ્રેરણારૂપ પગલું છે.
આ સંયુક્ત સ્વચ્છતા અભિયાન અને ટ્રસ્ટીઓ તથા વેપારીઓના સ્વૈચ્છિક પ્રતિબંધના નિર્ણયથી ઝંડ હનુમાનજી મંદિર હવે સ્વચ્છતા અને પવિત્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
