જમણેથી ડાબી તરફ ફરતી આદિવાસી ઘડિયાળ વિશે જાણો
Live TV
-
નવસારીના આદિવાસીઓએ આજે પણ જાળવી રાખી છે પરંપરા
કુદરતના ખોળે વસેલો આદિવાસી સમાજ આજે પણ પોતાની પ્રાચીનતમ સંસ્કૃતિને જાળવીને બેઠો છે. પ્રકૃતિ પ્રેમી આ સમાજ પ્રકૃતિમાંથી જ પ્રેરણા લે છે અને પ્રકૃતિના નિયમોને આજે પણ પાળવા માટેના પ્રયત્નો કરે છે. આધુનિકતાની તેજ દોડમાં પોતાની રૂઢીગત પરંપરાઓને પુરી નિષ્ઠા સાથે વળગી રહેલા આદિવાસીઓ આજે વિશ્વ આદિવાસી વિશ્વ અધિકાર દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે આદિવાસીઓના સાંસ્કૃતિક વારસાને જાણીએ. ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોમાં આદિવાસીઓમા ઝડપથી પ્રચલિત થયેલી આદિવાસી ઘડિયાળ અને તેના નિર્માણ પાછળનો તર્ક પણ કુદરત સાથે જ જોડાયેલો છે. પ્રાકૃતિક નિયમોને માનનારો અને તેના પાલન પાછળ પોતાનુ આખુય આયખુ ઘસી નાંખનારો સમાજ એટલે આદિવાસી. દુનિયામાં સમય બતાવતી ઘડિયાળોના કાંટાઓ ડાબેથી જમણી દિશામાં (ક્લોક વાઇઝ) ફરે છે, ત્યારે નવસારીમાં જમણેથી ડાબે (એંટીક્લોક વાઇઝ) ફરતા કાંટાઓવાળી એટલે ઉંધી ફરતી આદિવાસી ઘડિયાળ આશ્ચર્ય પમાડે છે. આદિવાસીઓની આ ઘડિયાળ પણ પ્રકૃતિના નિયમ આધારિત હોવાની અને તેના પાછળનો તર્ક પણ પ્રાકૃતિક હોવાનુ જાણવા મળ્યો. પ્રકૃતિપ્રેમી આદિવાસીઓના મતે જે રીતે આપણી પૃથ્વી એની ધરી પર જમણેથી ડાબે ફરે છે, જે રીતે પાણીમાં થતા વમળો અને હવામાં ફુંકાતો વંટોળ પણ જમણેથી ડાબે ફરે છે. અને ખાસ કરીને આદિવાસીઓ જે પરંપરાગત અનાજ દળવાની બે પત્થરોની ઘંટીનો ઉપયોગ કરે છે, એ પણ જમણેથી ડાબે જ ફરતી હોય છે. જેથી આદિવાસી ઘડિયાળ જમણેથી ડાબે ફરીને સાચો સમય બતાવે છે.પોતાની ભાતીગળ પરંપરાઓથી ઓળખાતો અને જીવતો આદિવાસી સમાજ મુખ્યત્વે ખેતી પર નિર્ભર રહ્યો છે. બંધારણમાં આદિવાસીઓને વિશેષાધિકારો આપવામાં આવ્યા છે, તેમ છતા આદિવાસીઓ વૈશ્વિક આડંબરથી દુર કુદરતના ખોળે રહીને પ્રકૃતિના પૂજન અને તેની અનુભૂતિ કરીને દુનિયાથી નોખો રહ્યો છે અને પોતાની સંસ્કૃતિને અમરત્વ આપ્યુ છે.
