જૂનાગઢમાં સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ દ્વારા ગુરુપુષ્ય નક્ષત્ર નિમિત્તે ‘ગર્ભાધાન સંસ્કાર’ કાર્યક્રમનું ભવ્ય આયોજન
Live TV
-
ગુરુપુષ્ય નક્ષત્રના પવિત્ર અવસરે જૂનાગઢ ખાતે આયુષની કચેરી, નિયામક ગાંધીનગર તથા આચાર્ય સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ‘સામૂહિક ગર્ભાધાન સંસ્કાર’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી આયુર્વેદ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જૂનાગઢના સરકારી અધિકારીઓ અને નાગરિકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ૭૦થી વધુ દંપતીઓએ નોંધણી કરાવી ભાગ લીધો હતો. આ સહભાગીઓમાં મુખ્યત્વે એવા નિસંતાન દંપતીઓ કે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે, ગર્ભાધાન સંસ્કારની શાસ્ત્રોક્ત વિધિમાં રસ ધરાવતા દંપતી અને ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે.
કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે તિલક અને રક્ષાસૂત્ર બાંધીને કરવામાં આવી હતી. ત્યારબાદ ગર્ભાધાન સંસ્કારના મહત્વને ઉજાગર કરતો ‘ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ’ યોજાયો હતો, જેમાં દંપતીઓએ મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી હતી.
હવન પૂર્ણ થયા બાદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે એક ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદિક પદ્ધતિ મુજબ ‘ગર્ભાધાન નસ્ય’ની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ખાસ વાત એ હતી કે દંપતીઓમાં પતિના હસ્તે જ પત્નીઓને ગર્ભાધાન નસ્ય આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતિમ ચરણમાં એક વિશેષ માહિતી સત્ર યોજાયું હતું. જેમાં નિષ્ણાત તબીબો દ્વારા ગર્ભાધાન સંસ્કારનું મહત્વ અને ગર્ભાવસ્થા દરમિયાન રાખવાની કાળજીઓ વિશે દંપતીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
