એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન આયોજીત રોબોકોન સ્પર્ધામાં GTUની રોબોકોન ટીમ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને
Live TV
-
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ટેક્નિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં અગ્રગણ્ય હરોળમાં સ્થાન મેળવેલ છે. દરેક પ્રકારના ટેક્નિકલ શિક્ષણ અને તેની લગતી વિવિધ સ્પર્ધામાં પણ GTU સતત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે છે. તાજેતરમાં જ એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન દ્વારા દિલ્હી ખાતે આયોજીત નેશનલ રોબોકોન સ્પર્ધામાં GTU રોબોકોન ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
3 સ્ટેજમાં આયોજીત આ સ્પર્ધામાં દેશભરમાંથી કુલ 68 ટીમોએ ભાગ લિધો હતો. જેના અંતિમ રાઉન્ડ માટે GTU સહિત દેશની કુલ 47 ટીમોની પસંદગી કરવામાં આવી હતી. “કાસ્ટીંગ ફ્લાવર ઓવર ધ અંગકોર વોટ” થીમ પર રોબોકોન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં રોબોટીક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 8 પોલમાં રીંગ નાખવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં રોબોકોનની શ્રેષ્ઠ ટીમની કેટેગરીમાં GTU સંલગ્ન 9 કૉલેજના 20 વિદ્યાર્થીઓની ટીમ પ્રથમ સ્થાને પસંદગી પામેલ છે. GTUના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, 21મી સદીમાં રોબોટીક્સ ટેક્નોલોજીનો ફાળો વિશેષ પ્રમાણમાં છે. GTU ટેક્નોક્રેટ્સને રોબોટીક્સ ક્ષેત્રે સંપૂર્ણ રીતે ટ્રેઈન કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપ આંતરરાષ્ટ્રીય કક્ષાની રોબોકોન સ્પર્ધામાં GTUની ટીમ પસંદગી પામેલ છે. GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ.ડી.પંચાલે રોબોકોન ટીમના મેન્ટર્સ અને પ્રો. રાજ હકાણીને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
આગામી 27 ઓગસ્ટના રોજ કંબોડિયા ખાતે ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધાનું આયોજન કરાશે. જેમાં GTUની ટીમ દેશનું પ્રતિનિધિત્વ કરશે. GTU રોબોકોન ટીમના મેન્ટર્સ પ્રો. રાજ હકાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, GTUની રોબોકોન ટીમમાં 8 જુદી-જુદી વિદ્યાશાખાના કુલ 20 વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો. સોફ્ટવેર અને મીકેનિકલ હાર્ડવેર જેવા મહત્વના મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ કરીને કુલ 1 વર્ષના સમયગાળામાં એલિફન્ટ અને રેબિટ નામના 2 રોબર્ટ્સ બનાવ્યા હતાં. સોફ્ટવેર સંબધિત ઈલેક્ટ્રીકલ સર્કિટ્સ અને અંતર માપવા માટે એન્કોડર્સ સેન્સર્સ , લાઈન ફોલોવર્સ સેન્સર્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત હાર્ડવેર બાબતે મિકેનિકલ ટીમ દ્વારા તેની ડિઝાઈન , ઉત્પાદન અને 3ડી પ્રિન્ટીંગનો ઉપયોગ કરીને ઓટો રોબર્ટ્સ અને મેન્યુઅલ રોબર્ટ્સ બનાવવામાં આવ્યા હતાં. જેનાથી . “કાસ્ટીંગ ફ્લાવર ઓવર ધ અંગકોર વોટ” થીમ પ્રમાણે 8 પોલમાં જીટીયુની ટીમે માત્ર 1 મીનીટ અને 41 સેકન્ડમાં જ દરેક પોલમાં રીંગ નાખીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.