સાયન્સ સિટી ખાતે "બાળ ઉર્જા રક્ષક દળ" કાર્યક્રમનો પ્રારંભ: વિદ્યાર્થીઓમાં ઉર્જા જાગૃતિ વધારવાનો લક્ષ્યાંક
Live TV
-
સાયન્સ સિટી ખાતે "બાળ ઉર્જા રક્ષક દળ" કાર્યક્રમનો પ્રારંભ: વિદ્યાર્થીઓમાં ઉર્જા જાગૃતિ વધારવાનો લક્ષ્યાંક
અમદાવાદ સાયન્સ સિટી ખાતે GUJCOST (ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી) અને GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ) ના સહયોગથી એક અનોખા કાર્યક્રમ “બાળ ઉર્જા રક્ષક દળ: ધ યંગ એનર્જી ગાર્ડ્સ” નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓમાં ઉર્જા બચત અને પર્યાવરણ જાગૃતિ લાવવાનો છે.
આ કાર્યક્રમના પ્રારંભિક તબક્કામાં રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 275 સ્થળોએ ઓરિએન્ટેશન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શિક્ષકો, નોડલ કોઓર્ડિનેટર્સ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ માધ્યમથી વિદ્યાર્થીઓને ઉર્જાના મહત્વ, તેના કાર્યક્ષમ ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જરૂરી જ્ઞાન અને સમજણ પૂરી પાડવામાં આવશે.
"બાળ ઉર્જા રક્ષક દળ" કાર્યક્રમ GUJCOST ના STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ) શિક્ષણ મિશન નો એક અભિન્ન હિસ્સો છે. આ કાર્યક્રમ દ્વારા 2025-26 સુધીમાં રાજ્યભરના 5 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાની મહત્વકાંક્ષી યોજના છે. આ પહેલ ભવિષ્યની પેઢીને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર અને ઉર્જા સંરક્ષણ માટે સક્રિય બનાવવામાં મદદ કરશે.
