ઓસ્ટ્રેલિયન ઓપનઃ સુમિત નાગલે રચ્યો ઈતિહાસ, 35 વર્ષમાં પહેલીવાર થયું આ કારનામું
Live TV
-
ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે વિશ્વના નંબર-27 એલેક્ઝાન્ડર બુબ્લિકને સીધા સેટમાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. નાગલે બે કલાક અને 38 મિનિટમાં મેચ જીતી લીધી હતી. સુમિત નાગલે આ જીત સાથે ઈતિહાસ રચ્યો હતો. નાગલ 35 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમમાં ક્રમાંકિત ખેલાડીને હરાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
સુમિત નાગલે મંગળવારે ઓસ્ટ્રેલિયન ઓપન 2024ના મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો હતો. મંગળવારે નાગલે વિશ્વમાં નંબર-27 કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બુબ્લિકને સીધા સેટમાં 6-4, 6-2, 7-6થી હરાવ્યો હતો.
સુમિત નાગલે ત્રણ વર્ષ બાદ કોઈ ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. અગાઉ, તે યુએસ ઓપન 2020ના બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. આ સિવાય સુમિત નાગલ 35 વર્ષમાં પ્રથમ ભારતીય ટેનિસ ખેલાડી બન્યો જેણે ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટમાં ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો.
સુમિત નાગલ પહેલા 1989માં રમેશ કૃષ્ણને ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેટ્સ વિલેન્ડરને હરાવ્યો હતો. આ પહેલાં સુમિત નાગલે ક્વોલિફાયર દ્વારા ઓસ્ટ્રેલિયન ઓપનના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી હતી. કારણ કે તેને ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઈટીએ) તરફથી વાઈલ્ડકાર્ડ મળ્યું નથી.