દિલ્હી એરપોર્ટ પર ભારતીય હોકી ટીમના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત
Live TV
-
પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને સ્વદેશ પરત ફરેલી ભારતીય હોકી ટીમના ખેલાડીઓનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે (મંગળવારે) દિલ્હી પહોંચેલા ખેલાડીઓમાં પીઆર શ્રીજેશ, અભિષેક નૈન, અમિત રોહિદાસ અને સંજય સામેલ હતા.
આ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે દિલ્હી એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ચાહકોએ ઢોલના તાલે ભારતીય હોકી ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ પહેલા શનિવારે પણ ભારતીય પુરૂષ હોકી ટીમના કેટલાક સભ્યો નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, ત્યારે પણ કંઈક આવું જ દ્રશ્ય હતું.
મંગળવારે શ્રીજેશ, અમિત રોહિદાસ, રાજકુમાર પાલ, અભિષેક, સુખજીત સિંહ અને સંજયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરિયાણાના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખેલાડીઓનું સ્વાગત કરવા પહોંચ્યા હતા અને તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પીઆર શ્રીજેશે કહ્યું, "હોકી માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. આ પ્રેમ જોઈને અમારી જવાબદારી વધી ગઈ છે. આ સ્વાગતથી ટીમ અભિભૂત થઈ ગઈ છે. ભારતીય ચાહકો અમારું સ્વાગત કરવા માટે અહીં આવ્યા તે જોઈને ખૂબ આનંદ થયો. ટીમ અમે ઓલિમ્પિકની તૈયારીમાં કોઈ કસર છોડી નથી અને અમારી મહેનત રંગ લાવી છે તે જોઈને આખો દેશ અમારી જીતની ઉજવણી કરી રહ્યો છે.
ભારતીય હોકી ટીમના અન્ય ખેલાડી અભિષેકે કહ્યું, "અમે આ જીતથી ખૂબ જ ખુશ છીએ. અમારું લક્ષ્ય હાંસલ નથી થયું પરંતુ અમે આવા સમર્થનથી ખૂબ જ ખુશ છીએ. અમે આવનારા સમયમાં ગોલ્ડ માટે વધુ મહેનત કરીશું.
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા હતા, જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિક સમાપ્ત થયા બાદ ભારતીય ખેલાડીઓની સ્વદેશ પરત ફરવાની પ્રક્રિયા ચાલુ છે.