ભારતીય બોક્સિંગ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલિસ્ટ મેરી કોમ થયા નિવૃત્ત
Live TV
-
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને વર્ષ 2012ની ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે બોક્સિંગમાંથી નિવૃત્ત થયા છે. મેરી કોમ હજુ પણ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઉત્સુક છે, પરંતુ ઉંમર સંબંધિત નિયમોને કારણે તેમણે નિવૃત્તિ લેવી પડી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન (IBA)ના નિયમો અનુસાર પુરૂષ અને મહિલા બોક્સરોને માત્ર 40 વર્ષની ઉંમર સુધી ચોક્કસ સ્તરની ટુર્નામેન્ટમાં રમવાની છૂટ છે.
મેરી કોમે 18 વર્ષની ઉંમરે સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયામાં તેમની બોક્સિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યાં તેમણે પોતાની સ્પષ્ટ બોક્સિંગ ટેકનિકથી બધાને પ્રભાવિત કર્યા અને 48 KG કેટેગરીની ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
મેરી કોમ ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન (IBA)ની મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તેમણે 2005, 2006, 2008 અને 2010માં વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. 2008નું ટાઈટલ જીત્યા પછી મેરીએ તેમના જોડિયા બાળકોને જન્મ આપ્યા પછી બ્રેક પર ગયા. મેરી કોમે 2012 લંડન ઓલિમ્પિક્સમાં 51 KG કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી મેરીએ ત્રીજા બાળકને જન્મ આપ્યો અને તેઓ ફરી એકવાર બ્રેક પર ગયા. 2018માં, તેમણે દિલ્હીમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેણીનું છઠ્ઠું ટાઇટલ જીત્યું, જ્યાં તેમણે યુક્રેનની હેન્ના ઓખોટા પર 5-0થી જીત મેળવી હતી.
મેરી કોમની બાયોપિક 2014માં રિલીઝ થઈ હતી. જેમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેમની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ-ઓફિસ પર સફળ રહી હતી.