ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવી શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ગઈ કાલે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવીને 5 મેચની T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની જીતમાં ઓપનર યશસ્વી જયસ્વાલે 53 બોલમાં 93 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય કેપ્ટન શુભમન ગિલે પણ 39 બોલમાં અણનમ 58 રનનું યોગદાન આપ્યું હતું.
આ મેચમાં ભારતે ટોસ જીતીને યજમાન ટીમને પ્રથમ બેટિંગ કરવાની તક આપી હતી. જવાબમાં ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. ભારતે આ લક્ષ્યાંક માત્ર 15.2 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની શરૂઆત પ્રથમ મેચમાં હાર સાથે કરી હતી, તે મેચ બાદ ભારતે સતત ત્રણ મેચ જીતીને આ શ્રેણી જીતી લીધી હતી.
આ મેચમાં ભારતીય ઓપનિંગ જોડીએ ઝિમ્બાબ્વેના બોલરોને સંપૂર્ણપણે મેચથી દૂર રાખ્યા હતા. જયસ્વાલે 175.47ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી અને તેની 53 બોલની ઈનિંગમાં 13 ફોર અને 2 સિક્સર ફટકારી. કેપ્ટન શુભમન ગિલે પણ 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 148.72નો સ્ટ્રાઈક રેટ રાખ્યો હતો. ઝિમ્બાબ્વેનો એકપણ બોલર ભારતીય બેટિંગ સામે ટકી શક્યો નહોતો. સર્વશ્રેષ્ઠ આંકડા રિચર્ડ નગારવાના હતા, જેમણે 3 ઓવરમાં 27 રન આપ્યા અને કોઈ વિકેટ લીધી ન હતી.
ઝિમ્બાબ્વેના ઓપનરોએ બેટિંગમાં સારી શરૂઆત આપી હતી, પરંતુ લોઅર મિડલ ઓર્ડર પ્રદર્શન કરી શક્યો નહોતો. ચોથા નંબર પર કેપ્ટન સિકંદર રઝાએ 28 બોલમાં 48 રન ફટકારીને ટીમનો સૌથી વધુ સ્કોરર રહ્યો હતો.
આ પહેલા ભારતે ઝિમ્બાબ્વેના બેટ્સમેનો સામે સારી બોલિંગ કરી હતી. ખલીલ અહેમદે ચાર ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા અને શિવમ દુબેને 1-1 વિકેટ મળી હતી. શ્રેણીમાં ખૂબ જ સફળ બોલર રહેલા રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં માત્ર 22 રન આપ્યા પરંતુ તેને કોઈ વિકેટ મળી ન હતી.
