ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રાજકોટમાં બીજી વન ડે મેચ, ભારત 1-0થી આગળ
Live TV
-
નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયા વન ડે સિરિઝ જીતવાના ઈરાદા સાથે ઉતરશે તો કિવિઝ ટીમ સિરિઝમાં બની રહેવા માટે મેદાનમાં ઉતરશે.
રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી વન ડે મેચ રમાશે. ત્રણ મેચની સિરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. પહેલી મેચમાં ભવ્ય જીતથી ભારતીય ટીમમાં ઉત્સાહનો માહોલ છે. શહેરના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં ટીમ ઈન્ડિયા વન ડે સિરિઝ જીતવાના ઈરાદા સાથે ઉતરશે, તો કિવિઝ ટીમ સિરિઝમાં બની રહેવા માટે મેદાનમાં ઉતરશે. રાજકોટમાં મેચને લઈ ક્રિકેટ રસીકોમાં અલગ આનંદ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના આનંદ વચ્ચે આજની મેચનો આનંદ માણવા માટે ક્રિકેટ રસીકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમે રવિવારે વડોદરામાં ચાર વિકેટથી પહેલી મેચ જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે ઇન્દોરમાં રમાશે.
પ્રથમ મેચમાં ભારતનું શાનદાર પ્રદર્શન
વડોદરા ખાતે રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર 300 રનનો સ્કોર બનાવ્યો હતો, પરંતુ ભારતીય બેટ્સમેનોએ 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ જીતમાં વિરાટ કોહલીએ 93 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, જેના માટે તેમને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા. અંતિમ ઓવરોમાં કે.એલ.રાહુલે બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી.
મેચમાં ભારતીય ટીમને મોટો ફટકો
રાજકોટમાં રમાનારી બીજી વનડે પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાઈડ સ્ટ્રેનની ઈજાને કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થયા છે. તેના સ્થાને દિલ્હીના પ્રતિભાશાળી યુવા ખેલાડી આયુષ બદોનીનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બદોની માટે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય કોલ-અપ છે, તેથી ક્રિકેટ ચાહકોની નજર તેના પર રહેશે.
