માન્ચેસ્ટર ટેસ્ટ: જો રૂટની સદીની મદદથી ઈંગ્લેન્ડ ભારત પર 186 રનની લીડ મેળવી
Live TV
-
ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 7 વિકેટે 544 રન બનાવીને ભારત પર 186 રનની લીડ મેળવી લીધી. રમતના અંતે બેન સ્ટોક્સ 77 રન અને લિયામ ડોસન 21 રન સાથે રમી રહ્યા હતા.
ઈંગ્લેન્ડે ત્રીજા દિવસની રમત 2 વિકેટે 225 રનથી શરૂ કરી હતી. ઓલી પોપ અને જો રૂટે શાનદાર બેટિંગ કરી અને દિવસના પહેલા સત્રમાં ભારતને કોઈ સફળતા ન મળવા દીધી. બીજા સત્રની શરૂઆતમાં પોપ 128 બોલમાં 71 રન બનાવીને આઉટ થઈ ગયા.
આ પછી જો રૂટે પોતાની ટેસ્ટ કારકિર્દીની 38મી સદી ફટકારી અને દ્રવિડ, કાલિસ અને પોન્ટિંગને પાછળ છોડીને ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયા. આ ઐતિહાસિક ઇનિંગમાં રૂટે 248 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 150 રન બનાવ્યા. રૂટની ઇનિંગ પછી બેન સ્ટોક્સે પણ કેપ્ટનશીપ ઇનિંગ રમી. જેના કારણે ઇંગ્લેન્ડ 544 રનના વિશાળ સ્કોર સુધી પહોંચી શક્યું.
બેન સ્ટોક્સ 134 બોલમાં 77 રન બનાવીને રમી રહ્યા છે. સ્ટોક્સ અગાઉ ઇજાને કારણે પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ સ્મિથ અને વોક્સની વિકેટ પડ્યા બાદ તે બેટિંગ કરવા આવ્યા અને અણનમ પરત ફર્યા. લિયામ ડોસન તેની સાથે 21 રન બનાવીને અણનમ રહ્યા.
આ પહેલા ઇંગ્લેન્ડ માટે તેમના ઓપનર જેક ક્રાઉલીએ 84 અને બેન ડકેટે 94 રન નોંધાવ્યા.
ભારત માટે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી. જ્યારે જસપ્રીત બુમરાહ, કંબોજ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ મેળવી.
ભારતે તેમની પ્રથમ ઇનિંગમાં 358 રન નોંધાવ્યા હતા.
