રોહિત શર્માની શાનદાર સદી, ભારતે ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને શ્રેણી જીતી
Live TV
-
રોહિત શર્માની શાનદાર સદી અને શુભમન ગિલ, શ્રેયસ ઐયરની મહત્વપૂર્ણ ઇનિંગ્સથી ભારતે રવિવારે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી.
ઇંગ્લેન્ડના 304 રનના જવાબમાં, ભારતે 33 બોલ બાકી રહેતા 308/6 રન બનાવીને મેચ જીતી લીધી. ભારતે ગઈકાલે કટકમાં ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે.. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે.. કટક વનડેમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 90 બોલમાં 119 રનની તોફાની સદીની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે કુલ 7 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા.
તો શુભમન ગિલે 60 રન અને શ્રેયસ ઐયરે 44 રન બનાવ્યા હતા.. તો રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ જ્યારે મોહમ્મદ શમી, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી. ક્રિસ ગેઈલે વનડે ક્રિકેટમાં 331 સિક્સર ફટકારી, જે આંકડાની રોહિત શર્માએ પહેલાથી જ બરાબરી કરી લીધી છે. જોકે, રોહિત પહેલી વનડેમાં શરૂઆતમાં જ આઉટ થઈ ગયો હતો અને એક પણ સિક્સર ફટકારી શક્યો ન હતો. પરંતુ બીજી મેચમાં તેણે શાનદાર શરૂઆત કરી અને બીજી જ ઓવરમાં એટકિન્સનની બોલિંગ પર સિક્સર ફટકારી. આ સાથે ગેઇલનો રેકોર્ડ તોડ્યો. હવે રોહિત વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. રોહિતે 259 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.
