આણંદ નજીક વિદ્યાનગર ખાતે કાર્યરત ચારૂતર વિદ્યામંડળ શૈક્ષણિક ટ્રસ્ટની રેલ્વે સ્ટેશન સામે 200 ચોરસ ફૂટ જમીન છે. આ જમીન ઉપર બાબુભાઈ પઢીયાર નામની વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર કબ્જો જમાવવામાં આવ્યો છે. એમાં કાચી ઓરડી બનાવી દઈને તૂટેલો ફૂટેલો સામાન તથા ઢોર ઢાંખર છૂટા મૂકી દીધા હતા. જેને લઈને સીવીએમ સંસ્થા દ્વારા વારે ઘડીએ જમીન ખાલી કરી દેવા માટે બાબુભાઈ પઢીયારને જણાવવામાં આવ્યું હતું. બાબુભાઇએ જમીન તો ખાલી ન કરી પણ સામેવાળા પક્ષને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી સીવીએમ સંસ્થા દ્વારા તમામ દસ્તાવેજો સાથે જિલ્લા કલેકટર લેન્ડ ગ્રેબિગમાં ફરિયાદ કરી હતી. જેમાં તપાસ કર્યા બાદ કમિટીની યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા વિદ્યાનગર પોલીસને આ અંગે લેન્ડ ગ્રેબીગનો ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો. પોલીસે બાબુભાઈ પઢીયાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આણંદના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી હતી. જેને લઈને આજે ડીવાયએસપી બી.ડી. જાડેજા દ્વારા પોતાની સમગ્ર ટીમ સાથે ઘટના સ્થળની મુલાકાત લઇને પંચનામું પણ કરવામાં આવ્યું હતું.