પાટણ જિલ્લાના ખેડૂતો માટે પાકમાં થતી ઈયળો મુસીબત સમાન બની ગઈ છે. આ ઈયળોના કારણે પાકને નુકશાન થઈ રહ્યું હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. છેલ્લા પંદર દિવસથી પાટણ જીલ્લાના ખેડૂતોમાં કાતરા નામની ઈયળે ચિંતા વધારી દીધી છે. જિલ્લાના પાટણ, સરસ્વતી, ચાણસ્મા, સિદ્ધપુર, હારિજ સહિતના વિસ્તારોમાં એરંડા તેમજ લીલા ઘાસચારાના પાકોમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. આ ઈયળ સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે, પરંતુ આ વખતે એરંડાના પાકમાં આ ઈયળે ઉપદ્રવ મચાવ્યો છે. એવામાં ખેડૂતોની મદદે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આવી છે. કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેમના તરફથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો આ માર્ગદર્શન પ્રમાણે ખેતી કરે અને અપાયેલ સૂચનોનું પાલન કરે તેવી પણ જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.