પાણીની તંગીને લઈને રાજ્ય સરકારનું શું છે આયોજન, જુઓ ખાસ રીપોર્ટ
04-03-2018 | 8:03 pm
Share Now ઉનાળો આવતાની સાથે જ પાણીની સમસ્યા જોર પકડે છે, પણ આ વર્ષે રાજ્ય સરકારે પાણીની તંગીને પહોંચી વળવા નક્કર આગોતરૂ આયોજન કર્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જળ વ્યવસ્થાપન અંગેની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી, જેમાં પાણીની સ્થિતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. પાણીની સમસ્યાને નિવારવા માટેની વ્યુહરચના ઘડવામાં આવી છે. જેનાથી રાજ્યના 1400 ગામ અને 32 શહેરોને પાણીની વૈકલ્પિક યોજના દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવાનું પણ આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
પાણીની તંગીને લઈને રાજ્ય સરકારનું શું છે આયોજન
31 જુલાઈ સુધી ગામ-શહેરમાં ક્યાં પાણીની તંગી ન સર્જાય તેનું આયોજન
પાઈપ-લાઈન, હેન્ડપંપ સહિતના નવા કામ માટે 200 કરોડ મંજૂર
પાણી પુરવઠાની જૂની મશિનરીના રીપેરિંગ કામ હાથ ધરાશે
જિલ્લા કલેક્ટરને દર અઠવાડિયે પાણી સમિતિની બેઠક યોજાવાના નિર્દેશ
ઉત્તર અને દક્ષિણ ગુજરાત નર્મદાના પાણી પર નિર્ભર છે ત્યારે આ વખતે રાજ્ય સરકારે આગતરૂ આયોજન કર્યું છે. જો વાત કરવામાં આવે નર્મદા બંધની તો, નર્મદા ડેમમાં 58 હજાર 600 લાખ ઘન મીટર પાણીની ક્ષમતા ધરાવે છે. જેમાંથી સિંચાઈ માટે 1.905 મિલિયન હેક્ટર એટલે કે, રાજ્યના 18.45 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે પાણી પુરુ પાડવામાં આવે છે. જેનાથી 10 લાખ ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. આ સાથે જ નર્મદાનું પાણી રાજ્યના 9 હજાર 633 ગામ અને 131 શહેરમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી નર્મદા ડેમમાં પાણી ઓછું થયાના સમાચાર વહેતા થયા હતા. પણ હાલ નર્મદા ડેમમાં પાણી વિષે કેવડિયા રેન્જના આરએફઓનું કહેવું છે. નર્મદા ડેમમાં પાણીનો જથ્થો હાલ 108.23 મીટરે, જે ચિંતાનો વિષય નથી.
એક નજર નર્મદા ડેમ પર
જળસંગ્રહ ક્ષમતા- ૫૮,૬૦૦ લાખ ઘન મીટર
સિંચાઈ - ૧.૯૦૫ મીલીયન હેક્ટર
રાજ્યના 18.45 લાખ હેક્ટરમાં સિંચાઈ
સિંચાઈના પાણીથી 10 લાખ ખેડૂતોને લાભ
પીવાનું પાણી - ૯૬૩૩ ગામો અને ૧૩૧ શહેર
દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની પોકારો શરૂ થઈ હતો,, જોકે રાજ્ય સરકારે યોજનાબદ્ધ આયોન કરી દેતા પાણીની સમસ્યાનો મહદઅંશે અંત આવે તેવું લાગી રહ્યું છે.
અંકિત ચૌહાણ, દૂરદર્શન સમાચાર, અમદવાદ