ગુજરાતના ખેડૂતો પ્રગતિશીલ બની રહ્યા છે અને વિવિધ દેશના બાગાયતી પાકની ખેતી ગુજરાતમાં કરીને મબલખ કમાણી કરી રહ્યા છે. જેમ જેમ દેશ પ્રગતિ કરી રહ્યો છે, તેમ તેમ ખેડૂતો પણ ચીલાચાલુ ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે.
પાટણ જિલ્લાના નરેશભાઈ આધુનિક પ્રયોગથી ઇઝરાયલી ખારેકની ખેતી કરવામાં સફળ રહ્યા છે. રાધનપુરમાં આવેલા સાંતલપુર તાલુકાના સૂકા વિસ્તારમાં તેઓ ટપક-સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરી ખારેકની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જેનું ઉત્પાદન વધતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાટણ જિલ્લામા સરકારના બાગાયત વિભાગના માર્ગદર્શનથી ૮૦% જેટલા પાણીની બચત કરીને તેઓ સરકારના જળસંચય અભિયાનને અનુસર્યા છે. આંતરપાકને કારણે મજૂરીમાં વધારો થતા મજૂરોને પણ રોજી મળી રહી છે અને ખારેક માટે સ્થાનિક ગ્રાહકો ફાર્મહાઉસમાંથી ખારેકની સીધી ખરીદી પણ કરી રહ્યા છે. જેથી ખેડુતને પોતાનો પાક બજારમાં વેચવા જવાની જરૂર પડતી નથી. પરિણામે તેમનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ બચી રહ્યો છે.