કેસર કેરીના ચાહકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. વિશ્વ પ્રસિધ્ધ તાલાલા મેંગો માર્કેટમાં કેરીની હરાજીનો પ્રારંભ થયો હતો. તાલાલામાં પહેલા જ દિવસે અગિયાર હજારથી વધુ બોક્સની હરાજી થઇ હતી. કેસર કેરીનો દસ કિલોનો ભાવ 300 થી 600 રૂપિયા બોલાઈ રહ્યો છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર એ પણ છે કે 800 મેટ્રીક ટન કેરીની વિદેશમાં નિકાસ પણ થશે.
દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની આખરે શાનદાર એન્ટ્રી બજારમાં થઈ ચૂકી છે. તાલાલા મેંગો માર્કેટમાં એક વર્ષ પછી કેરીની હરાજી શરુ થતા મેંગો યાર્ડ ફરી ધમધમતું થયું છે. પ્રથમ દિવસે 11 હજાર જેટલા કેરીના બોક્સની હરાજી કરવામાં આવી છે. કાચી કેસર કેરીના 10 કિલોએ 300 થી 600 રૂપિયા ભાવ આંકવામાં આવ્યો છે.
જો કે વ્યાપારીઓના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે કેસરનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે. ગત વર્ષની તુલનાએ 30 ટકા કેસરનું ઉત્પાદન ઓછું છે. જેના કારણે આ વર્ષ કેસરનો સ્વાદ ચાખવા વધારે કિંમત ચૂકવવી પડશે.
ખુશીની વાત એ છે કે, યુરોપનાં દેશોમાં આ વખતે કેસર કેરીએ એન્ટ્રી કરી છે અને ગત વર્ષના વિદેશમાં કેસરના નિકાસનો રેકોર્ડ તોડ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષ બમણો નિકાસ કેસર કેરીનો વિદેશમાં કરાશે. તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું છે કે દુબઇ, આરબ અમીરાત, અમેરિકા તેમજ યુરોપ સહિતના દેશોમાં કેસરની માંગ વધી છે. ભૂતકાળમાં કેસર કેરીના વિદેશ નિકાસ પર પ્રતિબંધ હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રયાસોથી આ પ્રતિબંધ હટાવી લેવાયો છે.