મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાતને આવકારી સમગ્ર ગુજરાતની જનતા વતી અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આ પ્રકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ગુજરાત વિશ્વના ગ્રીન એનર્જી મેપ ઉપર મહત્વપૂર્ણ રાજ્ય બની રહેશે. આનાથી રાજ્યના સામાજિક-આર્થિક વિકાસને બળ મળશે તથા રોજગારીની નવી તકો નિર્માણ પામશે. તેમણે કહ્યું કે, હરિત ઉર્જા- ગ્રીન એનર્જી અને પુનઃપ્રાપ્ય ઉર્જા- રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધે એ સમયની માંગ છે ત્યારે રિલાયન્સ દ્વારા આ ક્ષેત્રે રૂપિયા ૬૦ હજાર કરોડના રોકાણથી થનારા વિવિધ પ્રોજેક્ટ ગુજરાતની પર્યાવરણ વૃદ્ધિ સાથે ઔદ્યોગિક સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે.