રાજયમાં વરસાદની બીજી સિઝનમાં અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે સાંજે અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યમાં છેલ્લાં ચોવીસ કલાકમાં રાજયના ૯૨ તાલુકાઓમા નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં ૨૮૭ મી.મી. એટલે કે ૧૧ ઈંચ, પારડીમાં ૨૩૯ મી.મી. એટલે કે, નવ ઈંચ અને ઉમરગામમાં ૧૫૩ મી.મી., ગણદેવીમાં ૧૫૨ મી.મી., ઓલપાડમાં ૧૪૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકામાં છ ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
જામનગર શહેરમાં બપોરના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જામનગરના આકાશમાં વાદળો એકરસ થઈ જતાં ભારે વરસાદ શરૂ થયો હતો. ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જોરદાર વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તો પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ સવારી યથાવત રહી હતી.