ગુજરાતમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત જળનો સંગ્રહ કરવા માટેની યોજનાઓ ચાલી રહી છે. જેના પગલે રાજ્યમાં ઠેરઠેર બધા જિલ્લાઓમાં નહેરોના કામ ચાલી રહ્યા છે, તો ક્યાંક તળાવો ખોદવામાં આવી રહ્યા છે. તો ક્યાંક નદીઓ ચોખ્ખી કરવા માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
તારીખ 8મી મે, 2018ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તીર્થધામ સોમનાથ ખાતે 50 લાખ રૂપિયના ખર્ચે હિરણ, કપિલા, અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ સ્થળેથી કાપ માટી કાઢવાનો શુભારંભ કરાવ્યો હતો.
જો કે તેની પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ સોમનાથ મહાદેવ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરી હતી અને લોકોને પણ જળસંચય કરવા માટે અપીલ કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે સુજલામ સુફલામ જળસંચય અભિયાન દેશનું સૌથી મોટું અભિયાન છે. તેનાથી 35 નદીઓ પુનઃ જીવિત થશે. પવિત્ર યાત્રા ધામના ઘાટની સફાઇ થશે. 18 હજારથી વધુ ગામોમાં આ કાર્યક્રમ થઇ ગયો છે.