સુરત મહાનગર પાલિકાએ શિક્ષણ અંગે એક મોટો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે મ્યૂનિસિપાલટીની શાળાઓમાં ધોરણ 1થી 10ના વર્ગો ચાલતા છે. પરંતુ સુરત કોર્પોરેશન સંચાલિત સુમન શાળાઓમાં સૌ પ્રથમ વખત ધોરણ 11 અને 12ના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગ શરૂ કરનાર સુરત પાલિકા કદાચ રાજ્યની પ્રથમ મહાનગર પાલિકા બની છે. હાલ સુમન સ્કૂલોમાં ધોરણ 11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી માધ્યમના 8 વર્ગો, મરાઠી માધ્યમના 4 અને હિન્દી માધ્યમના 2 વર્ગો શરૂ કરવામાં આવશે. હાલ ધોરણ 11માં એડમિશન માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.