સૌર ઉર્જાને લઈને ગુજરાતના લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સૌર ઉર્જા મામલે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે. ગુજરાતના ગામડાઓથી લઈને લોકો પોતાના ઘરોમાં, ઑફિસોમાં અને હોસ્પિટલમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરી વીજળીના બિલમાં રાહત મેળવી રહ્યા છે. ઉપરાંત સરકાર આ રૂફટૉપ પેનલ લગાવવા માટે સબસિડી પણ આપી રહી છે. જેથી મધ્યમવર્ગને પણ તેનો ખર્ચ પોસાય તેવો છે.
મહેસાણાના રહેવાસી હિતેન્દ્રભાઈ પટેલે પોતાના ધાબામાં 2 કિલો વૉટની સોલર પેનલ લગાવી છે, જેમાંથી તેમનું લાઈટ બિલ આવતું બંધ થઈ ગયું છે. તેમના પત્ની પણ સાફસફાઈ મામલે ખુશ છે. તેમના કહેવા પ્રમાણે જો સોલર પેનલની વીજળીનો ઉપયોગ ન કરવો હોય તો તેને GEBમાં પણ મોકલાવી પૈસા કમાઈ શકાય છે.
મહેસાણાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલમાં પણ સોલર રૂફ ટૉપ પેનલ લગાવવામાં આવી છે. ધાબા પર 125 કિલો વૉટની પેનલ લગાવવામાં આવી છે. જેમાંથી દરરોજ 500 યુનિટ વીજળી પેદા થાય છે. જેનાથી હોસ્પિટલના બિલમાં 1/3 જેટલો ફેર આવ્યો છે.