વડાપ્રધાન મોદી ચીનની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં PM નરેન્દ્ર મોદીએ વુહાનમાં રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે પ્રતિમંડળ સ્તરની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક પહેલા ચીનના રાષ્ટ્રપતિ અને PM નરેન્દ્ર મોદીએ હુબઇ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વિયોન જોંગ સંગીતને માણ્યું હતું. આ સંગીતને તાંબાથી બનેલી ઘંટડીઓ વડે વગાડવામાં આવે છે. હુબઇ સંગ્રહાલયમાં આ તાંબાની ઘંટડીઓ 2 હજાર વર્ષ જુની છે.
આ મુલાકાત દરમ્યાન મ્યૂઝિયમમાં ચાઈનીઝ કલાકારોએ નૃત્ય પણ રજૂ કર્યું હતું. આ અવસરે વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિની મહેમાનગતિ માટે આભાર વ્યક્ત કર્યો હતો. સાથો સાથ તેમણે સકારાત્મક વાતાવરણમાં થઇ રહેલી આ અનૌપચારિક શિખર વાર્તા માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, બન્ને દેશો મળીને લગભગ દુનિયાની 40 ટકા વસ્તીનું પ્રતિનિધત્વ કરે છે. એવામાં શિખર વાર્તા ફક્ત બે નેતાઓ વચ્ચે જ નથી પરંતુ એના સંદર્ભમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ છે અને સદીઓ સુધી બન્ને દેશોએ દુનિયાના 50 ટકા અર્થવ્યવસ્થાને મજબુતી આપી છે. તેમાં ભારત અને ચીનનું યોગદાન વધારે રહ્યુ છે.