બુધવારે સાંજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તોફાન અને વાવાઝોડાને કારણે 94 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ તોફાનમાં અનેક લોકો ઘાયલ થયા છે. માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશમાં 62 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે. રાજસ્થાનમાં 32 લોકોના મોત અને 205 લોકો ઘાયલ થયા છે.
ઉત્તરપ્રદેશનાં તોફાન અને વાવાઝોડાની સૌથી વધુ અસર ખેડાગર, આગ્રા, અજમેરમાં થઈ હતી. રાજસ્થાનમાં પણ તેજ વાવાઝોડા, તોફાન અને ત્યારબાદ કરા સાથે વરસાદ થતા અનેક જગ્યાએ ઝાડ પડી ગયા હતા. રાજસ્થાનના ધોલપુર, ભરતપુર, કરોલીમાં તોફાનની સૌથી વધુ અસર જોવા મળી છે. રાજસ્થાનના ધોલપુરમાં મૃતકોની સંખ્યા 9 થતા ઘાયલોની સંખ્યા 100 સુધી પહોંચી છે. રાજસ્થાનના ભરતપુર, ડીગ અને નદવઇ, ભુસાવરનગર, તેમજ રૂપબાસમાં કુલ 16 લોકોના મૃત્યુ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે દુઃખ પ્રગટ કર્યું હતું. વડાપ્રધાને બંને રાજ્યના અધિકારીઓને મૃત્યુ પામેલા તેમજ ઘાયલ થયેલા લોકોની મદદ કરવા હાકલ પણ કરી હતી.