તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ પોતાની અંતિમ યાત્રા પર નીકળી ચૂક્યા છે. તેમની દફનવિધિ મરીના બીચ પર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તેની પહેલા ચેન્નાઈના રાજાજી હોલમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, શરદ પવાર, ફારુક અબ્દુલ્લા સહિતના અનેક રાજકીય નેતાઓ દર્શને પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદીએ તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. ઉપરાંત સાઉથ સિનેમાના દિગ્ગજ કલાકારો પણ તેમના દર્શને પહોંચ્યા હતા, જેમાં રજનીકાંત અને કમલહાસન પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે ચૈન્નઈની કાવેરી હોસ્પિટલમાં એમ. કરુણાનિધીનું 94 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
પ્રધાનમંત્રીએ કરૂણાનિધિની પુત્રી કનિમોઈ સાથે વાત કરી સંવેદના પ્રગટ કરી હતી. PMએ કરૂણાનિધિને લોકોથી જોડાયેલ જનસેવક, મહાન વિચારક, લેખક અને ગરીબોના કલ્યાણ માટે સમર્પિત નેતા ગણાવ્યા છે. કરુણાનિધિના સમાધિ સ્થળને લઈને સુનાવણી કરતાં મદ્રાસ હાઈકોર્ટે નિર્ણય આપતાં કહ્યું હતું કે, તેમના અંતિમ સંસ્કાર મરીના બીચ પર જ થશે. કરુણાનિધિના માનમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.