વિધાનસભામાં આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં કોરોના વાયરસ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે 14 જાન્યુઆરી 2020 થી 10 માર્ચ 2020 સુધીમાં 50 જેટલા કેસ ભારતમાં સામે આવ્યા છે જેમાંથી એકપણનુ મૃત્યુ થયેલ નથી. આરોગ્ય મંત્રીએ કોરોનાને લઈને રાજ્યની સ્થિતિ અંગે જણાવ્યુ હતુ કે રાજ્યમાં અત્યાર સુધીમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. તેમણે જણાવ્યું હતુ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર સતત આ વાયરસને ફેલાતો રોકવા માટે કાર્યશીલ છે અને આ માટે ભારત સરકારના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તરત જ રોગ અટકાયત અને નિયંત્રણ માટેના પગલા હાથ ધરેલ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં કોઈપણ પ્રકારના રોગચાળો અટકાવવા અને નિયંત્રણ કરવા જાહેર, આરોગ્ય મેડિસિન, માઈક્રોબાયોલોજી, પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિનના 8 થી 10 નિષ્ણાંત સભ્યોની સ્ટેટ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. જે સમગ્ર રાજ્યમાં તમામ રોગચાળાઓ અંગેની પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી કાર્યવાહી કરે છે. આરોગ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં 2,231 મુસાફરો કોરોના ગ્રસ્ત દેશોમાંથી આવેલા હતા જે પૈકી 1207 પ્રવાસીઓએ 28 દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પૂર્ણ કરેલ છે. અને તમામ મુસાફરોની તબિયત સારી છે અને આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ મુસાફરોનું દૈનિક ધોરણે મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે.