તેજસ્વી શર્મા નામના યુવાને યોગને આટલા જ આત્મવિશ્વાસથી પોતાનામાં ઉતાર્યો છે. તેજસ્વી દિવ્યાંગ છે પણ તેનો આત્મવિશ્વાસ જબરદસ્ત છે. તેજસ્વી બાળપણમાં જ પોલિયોથી ગ્રસ્ત થયો હતો, પણ યોગના બળે તેણે આ શારીરિક અક્ષમતાને પાછળ રાખી દીધી હતી. તે ઘણી પ્રતિસ્પર્ધાઓમાં વિશ્વ વિજેતા બન્યો છે.
દુબળો-પાતળો, પોલિયો ગ્રસ્ત શરીર મુશ્કેલીથી ચાલી શકનાર તેજસ્વી શર્માના અંધકાર ભર્યા જીવનમાં યોગ નવી રોશની લઈને આવ્યો હતો. યોગના બળે તેણે હારેલી બાજી જીતી લીધી હતી. યોગ સંપૂર્ણ જીવનને બદલવાની ક્ષમતા રાખે છે. કુસાધ્ય રોગને માત આપવાની તાકાત રાખે છે. અશક્યને પણ શક્ય બનાવવાની શક્તિ રાખે છે.
તેજસ્વીના પિતા મિથિલેશે યોગના દમ પર પુત્રનું નસીબ બદલવાનો નિર્ણય કર્યો હતો. પુત્રને યોગની દિક્ષા અપાવી હતી. તેજસ્વીના યોગ પ્રત્યેના ઝનૂન આગળ દરેક મંચ નાનું લાગે છે. સંયુક્ત રાષ્ટ્રથી લઈને તેજસ્વી દુનિયાના મોટા મોટા શો પર પોતાના પ્રતિભાની છાપ છોડી છે.
તેજસ્વી રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પોતાના યોગની પ્રતિભા બતાવી ચૂક્યો છે. તેજસ્વીને 2015માં યુનિક વર્લ્ડ તરફથી મોસ્ટ ફેક્સિબલ ચેમ્પિયનશીપનો એવોર્ડ મળી ચૂક્યો છે. તેજસ્વીનું આ ઝનૂન જીંદગીથી હાર માની ગયેલા દરેક વ્યક્તિ માટે એક પ્રેરણા છે.