આગામી ત્રણ દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રીનો થશે ઘટાડો, આણંદમાં ગરમીનું યલો એલર્ટ
Live TV
-
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના આણંદમાં આજે મંગળવારે (25 માર્ચ, 2025) યલો અલર્ટ સાથે હિટવેવની સ્થિતિ છે. હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવનની દિશા હોવાથી આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનના ઘટશે અને ત્યારબાદ ફરી તાપમાન ઊંચું જવાની શકયતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાનની આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત 9 જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં વી.વી. નગરમાં સૌથી વધુ 41.3 મહત્તમ તામપામ રહ્યું હતું. જ્યારે હવામાન વિભાગે આગામી 31 માર્ચ સુધી ગરમીને લઈને આગાહી કરી છે. જેમાં આજે આણંદ જિલ્લામાં હિટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે મંગળવારની સવારે 8:30 વાગ્યા સુધીમાં પુરા થતાં 24 કલાકમાં સૌથી વધુ વી.વી. નગરમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, અમરેલી, રોજકોટ, કેશોદમાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું.
તેમજ પોરબંદરમાં 38.6 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી, ડીસામાં 39.3 ડિગ્રી, ભાવનગરમાં 38.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આગામી 31 માર્ચ સુધી રાજ્યમાં શુષ્ક હવામાનની શક્યતા દર્શાવવામાં આવી છે.