આજે 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ'ની થઇ રહી છે ઉજવણી
Live TV
-
દેશમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે તા. ૨૪મી ડિસેમ્બરના રોજ 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' ઉજવાય છે. સમગ્ર ગુજરાતમાં ગ્રાહક પ્રવૃત્તિને લોકભોગ્ય બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. ત્યારે ગ્રાહક જાગૃતિ સપ્તાહનું પણ આયોજન કરાયું છે. રાજ્ય સરકાર ગ્રાહકોના અધિકારોની જાળવણી માટે પ્રતિબદ્ધ છે. ગ્રાહકો કાયદા જાણે અને પોતાના અધિકારોથી વાકેફ બને, તે આવશ્યક છે. કારણ કે ગ્રાહકો જાગૃત્ત હશે તો જ તેઓ પોતાના રક્ષણ અર્થે આગળ આવી ફરિયાદ કરી શકશે સાથેસાથે 'જાગો ગ્રાહક જાગો'નું સૂત્ર સંપૂર્ણપણે સાર્થક બનશે.
ગ્રાહક સુરક્ષા અધિનિયમ -૨૦૧૯ હેઠળ રાજકોટ શહેરમાં 'ગ્રાહક અદાલત - તમારી રક્ષક'ની નેમ સાથે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ કાર્યશીલ છે.
રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના મદદનીશ નિયામક કે. કે. સરવૈયા એ જણાવ્યું હતું કે આ કમિશન દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ પૂરૂં પાડવામાં આવે છે. ગ્રાહકોને સંતોષકારક ઉકેલ મળે અને જજમેન્ટ મુજબની રકમ સમયસર ચૂકવાય , તે હેતુથી રિકવરી વોરંટ, જામીનપાત્ર અને બિનજામીનપાત્ર વોરંટના માધ્યમથી ગ્રાહકને છેલ્લે સુધી સહકાર આપવાનો પૂરતો પ્રયાસ કરાય છે. કેસની સુનાવણી બાદ જો પૈસાની ચુકવણી ન થાય તો દરખાસ્ત દાખલ કરી શકાય છે. ત્યારબાદ રિકવરી વોરંટ જાહેર કરાય છે.