આજે વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Live TV
-
આજે વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. તેમાં સૌથી વધુ બનાસકકાંઠાના વડગામમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ખેડાના નડિયાદમાં 4 ઇંચ અરવલ્લીના મેઘરજમાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના બગસરામાં 3 ઇંચથી વધુ તો દહેગામમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદી ઝાપટા શરુ થયા છે. અમદાવાદમાં સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે હળવો વરસાદ થઈ રહ્યો છે. તો આજે દક્ષિણ ગુજરાત અને દમણ - દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં મેઘમહેરને પગલે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી છે. તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધતા 9 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલ નર્મદા ડેમ ની જળ સપાટી 135.03 મીટર એ સ્થિર છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી હોવાથી નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે.
આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. વિજાપુરમાં સવારે 6 થી 10 સુધીમાં જ 8 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો વસાઈ ગામમાં ભારે વરસાદને પગલે 6 માસ પહેલા બનાવાયેલી સંરક્ષણ દિવાલ ધોવાઈ ગઈ છે. તો ઉદલપુર ગામમાં તળાવનું પાણી ઘૂસી જતા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો બીજી તરફ વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થયુ છે. ગટર લાઈન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઈનમાં હોવાથી ગામના તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું.