ગુજરાતમાં હજુ બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, આવતીકાલે 16 જિલ્લામાં માવઠાની શક્યતા
Live TV
-
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભરઉનાળે કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે હવામાન વિભાગે હજુ બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મંગળવારે (13 મે, 2025) રાજ્યના મોટાભાગની વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે બુધવારે (14 મે) કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન 30-50ની સ્પિડે પવન ફૂંકાવવાની આગાહી છે.
જ્યારે 15 મે, 2025ના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 12 મેના સવારના 6 વાગ્યાથી 13 મેના 6 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ તાપીના કુકરમુંડા તાલુકામાં 1.69 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.42 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.14 ઈંચ અને અન્ય 16 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.