વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વડોદરામાં ફરી પૂરનું સંકટ, તંત્ર એક્શન મોડમાં
Live TV
-
બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ,સોસાયટીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી
વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ધરખમ વધારો થવાની શરુઆત થતાં જ વડોદરામાં ફરી પૂરસંકટ તોળાઇ રહ્યું છે.વડોદરા પર બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી 1 ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાયું છે.ધીમે ધીમે નદીની સપાટી વધી રહી છે.આજે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. શહેરમાં આજે સવારથી વરસાદ નથી વરસ્યો, આ સાથે ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું છે કે, વિશ્વામિત્ર નદીનું જળસ્તર સ્થિર થયું છે. મોટાભાગનું પાણી આવી ગયું છે, ઉપરવાસ અને વડોદરામાં વરસાદ બંધ થયો છે. ગ્રામ્ય વિસ્તારોનું મોટાભાગનું પાણી આવી ગયું છે. એટલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવામાં છે. હાલ 25 ફૂટે વિશ્વામિત્રી હોવાથી નીચાણવાળા વિસ્તારોને હજુ પણ સતર્ક રહેવાનું કહું છું.
વડોદરાના આજવા ડેમની સપાટી વધીને 213.26 ફૂટે પહોંચી છે. આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજી બંધ છે. વડસર, પરશુરામ ભઠ્ઠા, જલારામ નગર, કમાટીપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. તંત્ર પણ એલર્ટ મોડ પર છે. ગઈકાલે સાંજથી વડોદરામાં વરસાદ વરસ્યો નથી છતાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં ચોમાસું વિદાય લે તે પહેલા જ વડોદરામાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે પૂરની આપદામાંથી બેઠા થઈ રહેલા વડોદરાવાસીઓના માથે ફરીવાર પૂરનું સંકટ ઘેરાયું છે. રવિવારે શહેરમાં બે કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સાથે છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. આ સાથે વડોદરાની વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધીને 25 ફૂટ પર પહોંચી છે. નોંધનીય છે કે, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી એક જ ફૂટ દૂર છે.