'આત્મનિર્ભર વિઝન' હેઠળ કઠોળમાં આત્મનિર્ભર બની રહેલું ભારત
Live TV
-
દેશમાં 10 વર્ષમાં વિવિધ દાળની નિકાસ આયાતની સરખામણીએ ઝડપી વધી
પીએમ મોદીના 'આત્મનિર્ભર વિઝન' હેઠળ ભારત કઠોળમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં કઠોળની નિકાસ આયાત કરતા વધુ ઝડપથી વધી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર "ભારતની કઠોળની નિકાસ નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં રૂ.4,437 કરોડ હતી, જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2015માં તે રૂ.1,218 કરોડ હતી. આમ, છેલ્લા 10 વર્ષમાં ભારતની કઠોળની નિકાસમાં 264.29 ટકાનો વધારો થયો છે."
આ સમયગાળા દરમિયાન આયાતમાં 86.45 ટકાનો વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 25ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં દેશમાં 31,814 કરોડ રૂપિયાના કઠોળની આયાત કરવામાં આવી છે. જ્યારે 2015માં આ આંકડો 17,063 કરોડ રૂપિયા હતો.
NDA સરકારે કઠોળના ખેડૂતોને 93,544 કરોડ રૂપિયાનો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ચૂકવ્યો છે. કેન્દ્ર સરકારે ૨૦૨૫-૨૬ના બજેટમાં જાહેરાત કરી હતી કે દેશમાં કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા ૨૦૨૮-૨૯ સુધી ચાર વર્ષ માટે તુવેર, અડદ અને મસૂરની ૧૦૦ ટકા ખરીદી કરવામાં આવશે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ૧૩.૨૨ લાખ મેટ્રિક ટન (LMT), ૯.૪૦ LMT અને ૧.૩૫ LMT સુધીની તુવેર, મસૂર અને અડદની ખરીદીને મંજૂરી આપી છે.