ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારત સરકારે મ્યાનમારને લંબાવ્યો મદદનો હાથ
Live TV
-
ભારતની સરકારે વિનાશક ભૂકંપથી પ્રભાવિત મ્યાનમારના લોકોને 15 ટન રાહત સામગ્રી મોકલી છે. મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપના આંચકાએ ઘણું જાનમાલને નુકસાન પહોંચાડ્યું હતું.
ભૂકંપગ્રસ્ત મ્યાનમારને ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપના આંચકાએ ભારે તબાહી મચાવી દીધી હતી. આ દુર્ઘટનામાં ઘણું જાનમાલનું નુકસાન થયું છે. ભારતે શનિવારે મ્યાનમારને 15 ટનથી વધુ રાહત સામગ્રી મોકલી છે. ત્યાં આવેલા અનેક શક્તિશાળી ભૂકંપોમાં 144થી વધુ લોકો માર્યા ગયા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે.
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે, "ઓપરેશન બ્રહ્મા શરૂ થઈ ગયું છે. ભારત તરફથી માનવતાવાદી સહાયનો પહેલો જથ્થો મ્યાનમારના યાંગોન એરપોર્ટ પર પહોંચી ગયો છે."
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ માહિતી શેર કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, "ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારત વિનાશક ભૂકંપથી પ્રભાવિત મ્યાનમારના લોકોને મદદ કરવા માટે પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે કાર્ય કરી રહ્યું છે. ટેન્ટ, ધાબળા, સ્લીપિંગ બેગ, ફૂડ પેકેટ, સ્વચ્છતા કીટ, જનરેટર અને આવશ્યક દવાઓ સહિત 15 ટન રાહત સામગ્રીનો અમારો પહેલો જથ્થો યાંગોન પહોંચી ગયો છે."
ઉલ્લેખનીય છે કે, રાહત પેકેજમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, પાણી શુદ્ધિકરણ, સ્વચ્છતા કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ તેમજ પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, સિરીંજ, મોજા અને પાટો જેવી આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે.
દરમિયાન, ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તેમનું કહેવું છે કે, અત્યાર સુધી કોઈ ભારતીય ઘાયલ થયાના કોઈ અહેવાલ નથી. ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે, "બેંગકોક અને થાઇલેન્ડના અન્ય ભાગોમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ ભારતીય દૂતાવાસ થાઇ અધિકારીઓ સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. અત્યાર સુધી, કોઈપણ ભારતીય નાગરિક સાથે સંકળાયેલી કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં, થાઇલેન્ડમાં ભારતીય નાગરિકોને +66 618819218 પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. બેંગકોકમાં ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઇમાં કોન્સ્યુલેટ જનરલના બધા સભ્યો સુરક્ષિત છે,"
તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે X પર લખ્યું કે, "મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિ અંગે હું ચિંતિત છું. ભારત તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે તૈયાર છે."
ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશના અધિકારીઓએ મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપથી કોઈ મોટી અસરની જાણ કરી નથી. ભૂકંપ પછી આવેલા આંચકાઓએ મ્યાનમાર અને પડોશી દેશ થાઇલેન્ડમાં ભયનો માહોલ સર્જ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે રાત્રે 11:56 વાગ્યે મ્યાનમારમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
NCS અનુસાર, તાજેતરનો ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે તે આફ્ટરશોક્સ માટે સંવેદનશીલ બન્યો હતો. NCSએ કહ્યું હતું કે ભૂકંપ 22.15 ઉત્તર અક્ષાંશ અને 95.41 પૂર્વ રેખાંશ પર નોંધાયો હતો. શુક્રવારે બેંગકોક અને થાઇલેન્ડના ઘણા ભાગોમાં શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.