કર્ણાટક વિધાનસભા ચૂંટણી : પ્રચાર પડઘમ શાંત, 12મે ના રોજ મતદાન
Live TV
-
રાજ્યની 224 બેઠકોમાંથી 223 પર 12 મેના મતદાન થવાનું છે. એક બેઠક પર તાજેતરમાં જ એક ઉમેદવારનું અવસાન થઇ ગયું. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બીજેપી અને કોંગ્રેસે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી.
કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. તમામ રાજકીય પાર્ટીઓએ મતદારોને આકર્ષવા માટે તમામ તાકાત લગાવી દીધી. ભાજપ અને કૉંગ્રેસ બન્ને પાર્ટીઓના નેતાઓએ અનેક જાહેર સભાઓ યોજી આક્ષેપબાજી ચલાવી હતી.
અમિત શાહ સહિત 19 કેન્દ્રીય મંત્રીઓ સાથે 2 મુખ્યમંત્રીઓ, શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢના રમનસિંહ કુલ મળીને રાજ્યની 38 વિધાનસભા વિસ્તારમાં જનસભાઓ ગજાવી હતી. કેન્દ્રીય મંત્રી અનંત કુમારે, સૌથી વધુ 5 વિધાનસભા વિસ્તારમાં રોડ શૉ કર્યા હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોદી-એપ દ્વારા પાર્ટીના ઓસીબી/એસસી/એસટી કાર્યકર્તાઓ વાત કરી હતી. કોંગ્રેસની નીતિ ઉપર આક્ષેપ કરતાં એમણે કહ્યું હતું કે, ઓસીબી આયોગને બંધારણીય દરજ્જો મળે, અમે તેના માટે કોશિશો કરી છે. કોંગ્રેસે આ વિશે વિચાર્યું સુદ્ધાં નથી અને તે વોટબેંકની રાજનીતિ કરે છે. આજે પણ કરી રહી છે. કોંગ્રેસના દિલમાં દલિતો અને પછાતો માટે કોઇ જગ્યા નથી.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને બીએસ યેદિયુરપ્પાએ ચૂંટણી પ્રચારના છેલ્લાં દિવસે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના વિધાનસભા ક્ષેત્ર બાદામીમાં મેગા રોડ શો કર્યો હતો. એક પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કર્ણાટકમાં ફરીથી સિદ્ધારામૈયાની સરકાર રચાશે. જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે યેદિયુરપ્પાની સરકાર રચાશે એવો પુનરુચ્ચાર કર્યો હતો.