જયપુરમાં આજથી બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ પરિષદ યોજાશે
Live TV
-
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પરિષદનું અધ્યક્ષપદ સંભાળશે.
જયપુરમાં આજથી બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ પરિષદ યોજાશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ આ પરિષદનું ઉદ્ઘાટન કરશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પરિષદનું અધ્યક્ષપદ સંભાળશે. રાજ્યસભાના ઉપસભાપતિ સહિત રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા વિધાનપરિષદના સભાપતિ અને ઉપસભાપતિ આ સમારોહમાં હાજર રહેશે. G20 માં ભારતના નેતૃત્વ પર તેમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ડિજિટલ સંસદ સાથે સંસદનાં બન્ને ગૃહો અને વિધાનમંડળો વધુ અસરકારક, જવાબદાર અને ઉત્પાદક બનાવવાની જરૂરિયાત. તથા બંધારણની ભાવના અનુસાર ધારાગૃહો અને ન્યાયતંત્ર વચ્ચે સુમેળભર્યો સંબંધ જાળવવાની જરૂર છે.
સમાપન સમારોહ 12 જાન્યુઆરીએ યોજાશે અને તેમાં મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા રહેશે. સંમેલન દરમિયાન વિધાનસભા પરિસરમાં પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શન સંસદ પુસ્તકાલય અને રાજસ્થાન વિધાનસભા પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે યોજાશે. આ પ્રદર્શનમાં સંસદીય વિષયોને લગતા મહત્વનાં પુસ્તકો ઉપલબ્ધ થશે. લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. રાજસ્થાનમાં અગિયાર વર્ષ બાદ અખિલ ભારતીય અધ્યક્ષ પરિષદ યોજાઈ રહી છે. અગાઉ આ કોન્ફરન્સ વર્ષ 2011માં રાજસ્થાનમાં યોજાઈ હતી.
10 જાન્યુઆરીના રોજ જયપુરમાં વિધાનસભાના સચિવોની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં લોકસભા અને રાજ્યસભાના મહાસચિવો ઉપરાંત વિવિધ રાજ્યોની વિધાનસભાના સચિવોએ ભાગ લીધો હતો. ઉદ્ઘાટન સત્ર દરમિયાન, રાજ્યસભાના મહાસચિવ પી. સી. મોદીએ જણાવ્યું કે, રાજ્યસભાના છેલ્લા 4 સત્રોમાં 74 ટકા ઉત્પાદકતા રહી છે. વર્ષ 2022માં પૂરા થયેલા શિયાળુ સત્રમાં 102 ટકા કામ થયું હતું. વિધાનસભાની કામગીરીને સરળ બનાવવા માટે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવો એ સમયની જરૂરિયાત છે. કાર્યક્રમમાં, લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહે જણાવ્યું કે, લોકસભા સચિવાલયે સભ્યોને કાર્યક્ષમ રીતે સેવા આપવા માટે સંશોધન અને માહિતીને મજબૂત કરવા માટે પસંદગીની અગ્રણી સંસ્થાઓ સાથે કરાર કર્યા છે.
