દિલ્લી અને મુંબઈમાં વરસાદનું આગમન, પૂર્વીય-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
ભારતીય હવામાન વિભાગે આજે આગામી બે દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના બાકીના ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોને આવરી લેશે. તે આજે ગુજરાતના કેટલાક ભાગો, જમ્મુ-કાશ્મીરના કેટલાક વધુ ભાગો અને લદ્દાખને પણ આવરી લેશે.
હવામાન એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ હીટવેવ નહીં રહે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં ચારથી છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તથા હવામાન વિભાગે જાહેર કર્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં અને તેના ઉપનગરોમાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે વરલીમાં કોસ્ટલ રોડની મુલાકાત લીધી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને શહેરમાં પાણી ભરાઈ ન જાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા છે. ઘાટકોપર વિસ્તારમાં સવારે ત્રણ માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. જ્યારે રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે, હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની આજે વરસાદી સવારથી જાગી ગઈ હતી અને પ્રદેશમાં આવતીકાલ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
